- અનાજમાફિયાઓ બનાવટી બીલો બનાવી સસ્તુ સરકારી અનાજ મેળવતા અને અનાજ બીજા થેલામાં ભરીને વેચી દેતા હોય છે
- યુનુસ-તૌફિક હિંમતનગર એપીએમસી માર્કેટમાં પેઢી પણ હોવાની માહિતી સામે આવી રહી છે
- આ પેઢીના બીલોની આડમાં તેઓ સરકારી અનાજને સગેવગે કરી રહ્યો હોવાની પણ કથિત માહિતા સામે આવી રહી છે
- વિજાપુરમાં બેસીને ઉત્તર ગુજરાતના સરકારી અનાજને કરી રહ્યો છે સંચાલિત
મહેસાણા: ગરીબના મોઢા સુધી અન્ન પહોંચે તે પહેલા જ ઘઉ-ચોખા સહિત કઠોર અનાજ માફિયાઓના ગોડાઉન સુધી પહોંચી જાય છે. આ ગોડાઉનમાંથી તે અનાજ સીધો જ અન્ય દેશોમાં આયાત કરી દેવામાં આવે છે. નાના-મોટા અનેક અનાજ માફિયાઓ ઉત્તર ગુજરાતમાં ફૂલી ફાલી રહ્યાં છે. કેટલાક અનાજ માફિયાઓને રાજકીય પીઠબળ મળી રહેતું હોવાના કારણે તેમના ઉપર સરકારી અધિકારી પણ હાથ નાંખતા ડરે છે. તો કેટલાક અનાજ માફિયાઓ હપ્તા આપીને પણ પોતાનું ગેરકાયદેસર કામ શરૂ રાખતા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
આ વચ્ચે એક મસમોટા અનાજ માફિયા વિશે માહિતી સામે આવી રહી છે. આ અનાજ માફિયા વિજાપુરમાં બેસીને ઉત્તર ગુજરાતના સરકારી અનાજને કંટ્રોલ કરી રહ્યો છે. આ અનાજ માફિયાનું નામ યુનુસ મેમણ છે. હિંમતનગરનો રહેવાસી એવો યુનુસ મેમણ પાછલા ઘણા વર્ષોથી સરકારી અનાજને ગેરકાયદેસ વેચાતુ લઈને અન્ય દેશોમાં મોકલી રહ્યો છે. વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આ યુનુસ મેમણ ઉપર અગાઉ મહેસાણા પુરવઠા વિભાગ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, તે છતાં પણ તેણે પોતાનો કાળો કારોબાર ચાલું જ રાખ્યો છે.
સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોના ભાગના અનાજમાં ગ્રાહકોને ઓછું આપી, ન આપી સર્વર ડાઉન છે, તેથી ઓછું આવ્યું છે, પછી આવજો જેવા તથા અવનવા બહાના હેઠળ અનાજ ન આપીને એમાં કટકી કરીને અનાજ માફીયાઓ સાથે મળીને વહેલી સવાર, બપોર અથવા મોડી રાત્રે સસ્તા અનાજની દુકાનમાંથી એક્ટિવા, બાઈક, રિક્ષા, ટેમ્પો, છોટા હાથી, જીપો, પિક-અપ, 407, આઇસર દ્વારા અનાજ ભરી સગેવગે કરીને દુકાનમાંથી અનાજ માફીયાઓ ખાનગી ગોડાઉનમાં રાખીને ત્યાંથી અનાજની મોટી મિલમાં, કરિયાણાની દુકાનમાં તથા ઘરઘંટીમાં પહોંચાડીને સરકારની આંખમાં ધૂળ નાંખવાનું ઘણા સમયથી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- અમદાવાદમાં 63 વિદ્યાર્થીઓના વાલીઓની મોટી કબૂલાત; ‘ખોટી રીતે RTE હેઠળ લીધો પ્રવેશ’
આવા કૌભાંડ પાછળ યુનુસ મેમણ જેવા મસમોટા માફિયાઓનું એક મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. યુનુસ મેમણ ઉત્તર ગુજરાતના મોટા ભાગના અન્ય નાના અનાજ માફિયાઓ પાસેથી હોલસેલ ભાવે અનાજ ખરીદે છે. વિજાપુર-મહેસાણા રોડ ઉપર ગોડાઉન ભાડે રાખીને ત્યાંથી જ તેનું નેટવર્ક સંચાલિત કરી રહ્યો છે. તે ઉપરાંત તેના દ્વારા ફેલાવવામાં આવેલો છકડાઓ અને નાની ગાડીઓની માયાઝાળ થકી દિવસ દરમિયાન 5થી દસ ટન અન્ય અનાજ ઉઘરાવીને લાવવામાં આવે છે. આમ યુનુસ મેમણ દ્વારા ઉત્તર ગુજરાતના ગરીબોના મોઢામાં કોળિયો જાય તે પહેલા જ અનાજને પોતાના ગોડાઉન ભેગુ કરી દેવામાં આવી રહ્યું છે.
આ અંગે મહેસાણાના જિલ્લા નાયબ ક્લેકટર અને જિલ્લા પુરવઠા અધિકારી એ.બી. મંડોરી (અફઝલ મંડોરી)એ જણાવ્યું હતુ કે, પત્રકારોના સહિયારા પ્રયાસથી અનાજ માફિયાઓને ડામવામાં આવશે. જો પત્રકારો યોગ્ય માહિતી આપશે તો અમારા તરફથી ચોક્કસ રીતે અનાજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરીને ગરીબોને તેમનો હક્ક અપાવવામાં આવશે. વિજાપુરમાં બેસીને ઉત્તર ગુજરાતના સરકારી પુરવઠાના અનાજને સંચાલિત કરતાં યુનુસ અને તેના ભાગીદાર તૌફિક અંગેની વાતચીત કરતાં અફઝલ મંડોરીએ વધુમાં જણાવ્યું કે, યોગ્ય માહિતી પુરી પાડવમાં આવશે તો ચોક્કસ રીતે કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, યુનુસ અને તૌફિક બંને વર્ષોથી ભાગીદારીમાં સરકારી અનાજનો વેપલો ચલાવી રહ્યા છે. આ બંને લોકો ઉપર પહેલા પણ કેસ થયેલા છે પરંતુ તેઓ રિઢા ગુનેગાર થઇ ગયા હોવાના કારણે તેમણે સરકાર અને સરકારી કાયદાઓનો ડર રહ્યો નથી. તેથી આવા માથા ભારે અને રિઢા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીને પાસા હેઠળ ધકેલીને સબક શિખાવવો જરૂરી છે.
જણાવી દઇએ કે, અફઝલ મંડોરી અને તેમની ટીમે સતલાસણામાં એક અનાજ માફિયા ઉપર ઓચિંતી રેડ કરીને તેના સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન 20 લાખ રૂપિયાથી વધારેનો સરકારી અનાજના જથ્થા સાથેનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. એકદમ સાફ અને ઇમાનદાર છબી ધરાવતા એ.બી. મંડોરી અત્યાર સુધીમાં અનેક અનાજ માફિયાઓને સબક શિખવાડી ચૂક્યા છે. તેમણે યુનુસ અને તૌફિક સામે પણ કડક કાર્યવાહી કરવા બાબતે ગુજરાત ટાઇમ્સ24ના રિપોર્ટર સાથે એક વાતચીતમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો- ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી 5 વર્ષમાં 20,300 મહિલાના મોત; પ્રતિદિવસ 32 નવા કેસ અને 12નાં મોત
વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, વિજાપુરમાં પોતાનો કારોબાર કરતો યુનુસ પાછળ કોઈ કોંગ્રેસના આગેવાનનો હાથ હોવાની કથિત માહિતી સામે આવી રહી છે. આ કોંગ્રેસનો આગેવાન યુનુસના પુત્ર સાથે એકદમ નજીકના સંબંધમાં હોવાથી સીધા સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત યુનુસ-તૌફિક નાના પત્રકારોને 1000-2000 રૂપિયા આપીને ખુશ પણ રાખી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
વધુમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે, નાના અધિકારીઓ અને પત્રકારોથી પોતાનો બચાવ કરી શકે તે માટે યુનુસ અને તૌફિક પોતે પુરવઠાના મોટા અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં હોવાની અફવાઓ પણ ફેલાવી રહ્યા છે. ખેર; આ બાબતે વધુ જાણકારી એકઠી કરીને આગામી લેખમાં પ્રકાશિત કરવામાં આવશે. વધુમાં જણાવી દઇએ કે, વિજાપુરના નાયબ મામલતદાર અનિલ ભાઈ સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોવાથી આગામી સ્ટોરીમાં તેમનું નિવેદન ટાંકવામાં આવશે.
યુનુસ-તૌફિક અન્ય કેટલા અનાજ માફિયાઓ પાસેથી સરકારી અનાજ વેચાતુ લે છે અને તે ક્યાં પોતાના અનાજનું વેચાણ કરે છે તે અંગેની માહિતી પ્રકાશિત કરવામાં આવશે. તેના જેવા અન્ય અનાજ માફિયાઓને ડામવાને લઈને સરકારી અધિકારીઓ અભિયાનનો આરંભ કરી શકે છે. આ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતના મસમોટા અનાજ માફિયાઓની માહિતી મહેસાણા પુરવઠા અધિકારી સહિત ગાંધીનગર સુધી પહોંચાડનારાઓને પણ ઇનામથી નવાજવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં ઉભરી રહેલા અનાજ માફિયાઓને ડામવા માટે સરકારી અધિકારીઓએ દાખવેલી સકારાત્મકતા ખુબ જ પ્રશંસનિય છે.
આ પણ વાંચો-ભારતીય નાગરિકની હત્યામાં સામેલ કેનેડાના પોલીસ અધિકારીને ભારતે જાહેર કર્યો ભાગેડુ આતંકી