વાવ બેઠક પર ગેનીબેન ઠાકોરના કાકાએ નોંધાવી અપક્ષ તરીકે ઉમેદવારી

બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે તેમના જ કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા પછી ઠાકોર સમાજમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે કારણ કે, કોંગ્રેસ અને ગેનીબેનનો ગઢ કહેવાતી વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર ગેનીબેનના ગઢમાં ગાબડું પાડશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે.

વાવ વિધાનસભાની બેઠક પોતાના નામ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ભાજપમાંથી 50 જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી 8 લોકો દાવો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે, હાલમાં 3 ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગેનીબેનના પરિવારમાંથી તેમના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કારણ કે વાવ બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે, જ્યારે ભાજપ માટે અસ્તિત્વની જંગ છે.

ભુરાજી ઠાકોર ભાજપ સાથે જોડાયેલા છે, પરંતુ ભાજપમાં ઉમેદવારોની સંખ્યાને જોતાં તેમને લાગી રહ્યું છે તેમને ટિકિટ મળી શકે એમ નથી. આ કારણસર તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર પૂર્વ ડેલિગેટ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે, ભુરાજી ઠાકોરના પત્ની કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસમાંથી તે જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. ભુરાજી ઠાકોર લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે, જેથી તેમણે વાવ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે.

ભુરાજી ઠાકોરે સર્મથકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતી વેળાએ તેમણે બંને પક્ષો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોમાં તેમની સમસ્યાઓ સાંભળવામાં આવતી ન હોવાની વાત કરી હતી. ભુરાજી ઠાકોરે નર્મદાના પાણી મળતું ન હોવાના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હજુ પણ વાવ પંથકના 10 જેટલા ગામોને પીવા માટે ખારું પાણી મળી રહ્યું છે, નર્મદાના નીર હજુ સુધી પહોંચ્યા નથી. તેમને ગેનીબેન ઠાકોર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ગેનીબેન બે વખત ધારાસભ્ય તરીકે અને એકવાર સાંસદ તરીકે ચૂંટાયા છે પરંતુ નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા નથી. આ ઉપરાંત સમાજની બોર્ડિંગની કરોડોની જમીનનું કોઇ નિરાકરણ આવતું ન હોવાની પણ હૈયાવરાળ ઠાલવી હતી.

ગુલાબસિંહ રાજપૂતને થશે નુકશાન

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ગેનીબેન ઠાકોર સાથેની મિત્રતા ફળી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી છે. સૂત્રોનો દાવો છે કે ગમે ત્યારે સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત થઇ શકે છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25મી ઓક્ટોબર છે. 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે.

મંગળવારે સાંજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં ત્રણેય દાવેદાર ગુલાબસિંહ રાજપૂત , કે.પી ગઢવી અને ઠાકરશી રબારી અને વાવ બેઠકના પ્રભારી બળદેવજી ઠાકોર તેમજ જિલ્લા પ્રમુખ પણ ઉપસ્થિત હતા.

 ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે તેમની હાર થઇ હતી. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.