અમદાવાદ: બોપલ સહિતના વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાણાઓને કોણ છાવરી રહ્યું છે?

  • K કંપનીમાં હોવા છતાં વહીવટદાર વિજયે સ્પાનો વહીવટ શરૂ કરીને ઉચ્ચ અધિકારીઓના ઓર્ડરનો કર્યો અનાદર
  • સજાના ભાગરૂપે કે કંપનીમાં મૂક્યો હોવા છતાં વિજયે વિવાદાસ્પદ કામ ચાલું રાખ્યા

દેવાંગ આચાર્ય; અમદાવાદ: જ્યારે કોઈ પોલીસ કર્મચારી પોતાની ફરજ યોગ્ય રીતે ન નિભાવતો હોય ત્યારે તેને સજાના ભાગરૂપે K કંપનીમાં મૂકવામાં આવે છે. પરંતુ કેટલાક પોલીસ કર્મચારી તો એટલા રિઢા થઈ ગયા હોય છે કે, તેઓ K કંપનીમાં સજા કાપવા ગયા હોવા છતાં પોતાના વહીવટના કામ તો ચાલુ જ રાખે છે.

અમદાવાદ શાહીબાગમાં ફરજ બજાવનાર વહીવટદાર વિજય હાલના દિવસો સજાના ભાગરૂપે K કંપનીમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ દિવાળી આવતાની સાથે જ K કંપનીમાં ફરજ બજાવતા વિજયે પોતાના વહીવટના કામ શરૂ કરી દીધાનું પોલીસના વિશ્વસનિય સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

અમદાવાદના બોપલ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા સ્પાના વહીવટ શરૂ કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં સ્પાનું કિડિયારૂં ઉભરાયું છે. તેવામાં સ્પાના માલિકો પોતાના કાળા કામો બેરોકટોક ચાલું રહે તે માટે વિજય જેવા વહીવટદારોને મોટું વહીવટ આપતા હોય છે.

વિજયે પણ બોપલ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલા સ્પાનું વહીવટ લેવાનું શરૂ કર્યું હોવાનું પોલીસ બેડાના વિશ્વસનિય સુત્રો પાસેથી જાણકારી મળી રહી છે. ચોંકાવનારી બાબત તો તે છે કે, K કંપનીમાં હોવા છતાં વિજય પોતાનું વહીવટદારીનું કામ ચાલું રાખીને પોલીસ કમિશ્નરના ઓર્ડરને પણ નજર અંદાજ કરી રહ્યો છે. વિજયને પોતાના ઉપલા અધિકારીઓનો પણ ડર ન હોવાના કારણે જ તેણે સ્પાના મસમોટા વહીવટ લેવાનું શરૂ કર્યું હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.

અમદાવાદમાં ભૂતકાળમાં એક સ્પાના માલિકે એક મહિલા સાથે અમાનવિય વ્યવાહાર કરીને તેને જાહેરમાં માર માર્યો હતો. તે પછી સરકારે સ્પાના નામે ચાલતા કૂટણખાણાઓ ઉપર લાલ આંખ કરીને બંધ કરવાનો ઓર્ડપ પણ આપ્યો હતો. તેથી પોલીસે કડક કાર્યવાહી કરતાં અનેક સ્પાના પાટીયા પાડી દેવામાં આવ્યા હતા. પરંતુ એક વખત ફરીથી વિજયે સ્પાની આડમાં ચાલતા કુટણખાણાઓ પાસેથી વહીવટ લઈને સરકાર અને પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓના આંખોમાં રેતી નાંખવાનું કામ કરી રહ્યો છે.