ખેરાલુ: મહેસાણા જિલ્લાના ખેરાલુ, વડનગર, વિસનગર સહિતના વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગ એક મસમોટું દૂષણ બની ગયું છે. પ્રતિદિવસ પોલીસ શેર માર્કેટના નામે છેતરપિંડી કરનારાઓને પકડી રહી છે. જોકે, આ વચ્ચે એક નવો જ ગંભીર અને ચોંકાવનારો કેસ સામે આવ્યા છે. જેમાં ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ શેર માર્કેટના નામે લોકોને તો છેતરે છે, પરંતુ તેની સાથે-સાથે ખેરાલુ સહિતના આસપાસના ગામડાઓના બેરોજગાર-ગરીબ અને અભણ યુવાનોને લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં પૈસા ટ્રાન્સફર કરાવી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
તો બીજી તરફ પોલીસ પણ યોગ્ય દિશામાં તપાસ કરવાની જગ્યાએ માત્રને માત્ર બેંક એકાઉન્ટ ખોલાવનારા યુવકોને જેલના સળીયા પાછળ ધકેલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકદમ સીધો પ્રશ્ન તે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડબ્બા ટ્રેડિંગ થકી લોકો સાથે છેતરપિંડી કરતો હોય ત્યારે તે પોતાના બેંક એકાઉન્ટમાં મસમોટી રકમ ટ્રાન્સફર કરાવશે ખરો? શું ડબ્બા ટ્રેડિંગ થકી જનતાને છેતરનારો પોતાની સાચી ઓળખ અન્ય વ્યક્તિને આપશે ખરો?
એકદમ સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે કે ગેરકાયદેસર રીતે ઓનલાઈન આવતા પૈસા ડબ્બા ટ્રેડિંગ કરનારો વ્યક્તિ પોતાના જ નામે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમા ટ્રાન્સફર કરાવશે ખરો? જે મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડી કરીને પૈસા કમાઈ રહ્યો છે તે વ્યક્તિ પોતાના નામના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવશે ખરો? આ રકમ ટ્રાન્સફર કરવા માટે તેઓ બલિના બકરાઓ એટલે કે અન્ય લોકોના બેંક એકાઉન્ટ ખોલાવવાની ફિરાકમાં રહેતા હોવાની માહિતી સામે આવી રહી છે. ડબ્બા ટ્રેડિંગ કરનારા માસ્ટર માઇન્ડ ગામડાના જરૂરિયાતમંદ એવા નિર્દોષ છોકરાઓને લાલચ આપીને બલિના બકરા તરીકે ઉપયોગ કરીને તેમના પાસે બેંક એકાઉન્ટ ખોલાવી રહ્યાનો નવો ખુલાસો સામે આવ્યો છે.
આ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ડબ્બા ટ્રેડિંગના માસ્ટરો પૈસાની લાલચથી લઈને નોકરી અપાવવા સુધીની લાલચ આપતા હોવાનું વિશ્વસનિય સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તો ખેરાલુ તાલુકાના ડભાડ અને સાકરીના ભોગ બનેલા યુવકોએ પણ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં પણ કબૂલ્યું છે કે તેમને પૈસાની લાલચ આપીને તેમના પાસે બેંક એકાઉન્ટ ખોલાવી નાંખ્યા હતા. આ યુવકો પાસે કોણે બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે તેના વિશે પણ ત્રણેય યુવકોએ પોલીસને પોતાના નિવેદનમાં માહિતી આપી છે. આ અંગે પોલીસ આગળ વધુ તપાસ કરી રહી છે પરંતુ વડનગર પોલીસે ડબ્બા ટ્રેડિંગ કરનારા સાતિર ઠગબાજો સાથે જ ભોગ બનનારા ત્રણેય યુવકોને પણ અપરાધી દર્શાવતા એક નવી ચર્ચા ઉભી થઈ છે.
જોકે, પોલીસ મેઇન ષડયંત્રકારીને પકડવા માટે વડનગર પોલીસ મથામણ કરી રહી છે. પરંતુ ડબ્બા ટ્રેડિંગ કરતી ઠગ ટોળકી ગમે તેમ કરીને ગ્રામીણ વિસ્તારના યુવાઓને પોતાની વાતમાં ભેળવી લઈને તેમના નામનું બેંક એકાઉન્ટ ખોલાવ રહ્યા છે. જે લોકલ અને ગરીબ યુવકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ બેંક એકાઉન્ટ ખોલાવ્યા પછી તેની પાસબુક, એટીએમ સહિતના ડોક્યુમેન્ટ પણ ઠગ ટોળકી પોતાના પાસે જ રાખી લે છે. તે ઉપરાંત આ માસ્ટર માઇન્ડો દ્વારા બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર પણ ડમી જ લખાવી દેવામાં આવે છે. તેથી તેઓ મોબાઈલ નંબર થકી યુપીઆઈ શરૂ કરીને બારોબાર ઓનલાઈન પૈસા ઉપાડી લેતા હોય છે.
આમ આવા માસ્ટર માઇન્ડોના કારણે જ સાકરી અને ડભાડના યુવકોની ડબ્બા ટ્રેડિંગના કેસમાં ભોગ લેવાયો છે. આ એક કેસ વર્તમાન સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ બંને યુવકો પાસે ખોટી રીતે ખોલાવવામાં આવેલા બેંક એકાઉન્ટને લગતું એક પણ ડોક્યુમેન્ટ નથી. તેમના ખાતામાં આવતા પૈસા બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હતા. જ્યારે આ બંને યુવકોમાંથી એક યુવકને ખ્યાલ આવ્યો કે તેના બેંક એકાઉન્ટમાં પ્રતિદિવસ પૈસાનું ટ્રાન્જેક્શન થઈ રહ્યું છે તો તેને બેંકમાં અરજી કરી કે મારૂં એકાઉન્ટ બંધ કરીને આવનારા પૈસા પરત કરી દેવામાં આવે.. જે અરજી ઉપર ફોટોમાં દર્શાવવામાં આવી છે. પરંતુ બેંક દ્વારા તેનું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું નહતું.
તો ડભાડના રહેવાસી અને સાત નાપાસ સોહિલ નામના યુવકને તો ખ્યાલ પણ નહતો કે તેની પાસે ખોટી રીતે ખોલાવેલા બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાનું ટ્રાન્સફર થઈ ચૂક્યું છે. કેમ કે તે યુવક પાસે બેંક એકાઉન્ટને લઈને કોઈ જ ડોક્યુમેન્ટ નહતો.
પોલીસે પોતાની પ્રેસનોટમાં જણાવ્યું છે કે, તેમને આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ ખરેખર તો સત્ય તે છે કે, આ છોકરાઓ સામે ચાલીને પોલીસ સ્ટેશન ગયા હતા. આ બંને છોકરાઓને પોલીસ સ્ટેશનમાંથી ફોન કરીને નિવેદન લેવાનું કહીને બોલાવવામાં આવ્યા હતા. તે પછી તેમની અટક કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આ બંને યુવકો અગાઉ પણ પોલીસને પોતાનું નિવેદન નોંધાવી ચૂક્યા હતા કે અમને લાલચ આપીને અમારા પાસે ખોટી રીતે અમારા નામે બેંક એકાઉન્ટ ખોલાવી લેવામાં આવ્યા છે.
આમ યુવકો પોતે ડબ્બા ટ્રેડિંગ કરનારાઓના ભોગ બન્યા છે. તેઓ પોતે પીડિત હોવા છતાં પોલીસે તેમને ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ સમકક્ષ આરોપી બનાવતા એક નવી ચર્ચા ઉભી થઈ છે. તેથી ડબ્બા ટ્રેડિંગ કરનારા માસ્ટર માઇન્ડો ખુલ્લેઆમ જનતા સાથે છેતરપિંડી કરતાં રહે અને તેમની જગ્યાએ આવા નિર્દોષ યુવકો જેલના સળીયા પાછળ ધકેલતા ન રહે તે માટે પોલીસે યોગ્ય દિશામાં તપાસ કરવી રહીં.
વડનગર પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરીને અનેક નિર્દોષ યુવકોનું જીવન બર્બાદ થતાં બચાવી શકે છે, તો મહેસાણા પોલીસે યુવાઓને જાગૃત કરવા માટે કાર્યક્રમોનો આયોજન કરવો પડશે. જેથી કરીને નિર્દોષ લોકો આવા ઠગબોજાના ઝાંસામાં આવે નહીં.
થોડા પ્રશ્ન- આ ત્રણેય યુવકોના ખાતામાં આવેલા પૈસા કોણે ઉપાડ્યા? આ ત્રણેય યુવકોએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે સહદેવ નામના વ્યક્તિએ તેમના બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ સહદેવ પણ વર્તમાન સમયમાં ફરાર છે. તેથી પોલીસ સહદેવની ધરપકડ કર્યા પછી તેના પાસેથી સત્ય ઉજાગર કરી શકે છે કે આ બેંક એકાઉન્ટ તે કોના માટે ખોલાવી રહ્યો હતો ત્યારે જ માસ્ટર માઇન્ડનો ખુલાસો થઈ શકે છે. તે ઉપરાંત પૈસા કોણે ઉપાડ્યા છે તેનો પણ ખ્યાલ આવી જશે. આમ આ ત્રણેય યુવકો દ્વારા આપવામાં આવેલી માહિતી દ્વારા જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે.
વડનગર પોલીસે સહદેવને પકડ્યા પછી કેમ છોડી મૂક્યો? વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર, વડનગર પોલીસે બેંક એકાઉન્ટ ઓપન કરાવનાર મુખ્ય આરોપી એવા સહદેવની ધરપકડ કરીને તેનું નિવેદન નોંધ્યું છે. પરંતુ સહદેવ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે તે વિશેની માહિતી મળી શકી નથી. પરંતુ સાકરીના યુવક ચિરાગ પાસે વડનગરની પોલીસે વીડિયો કોલ થકી સહદેવની ઓળખ કરાવી હતી. પરંતુ સહદેવને છોડી મૂકવામાં આવ્યો હતો અને હાલમાં તે ફરાર ચાલી રહ્યો છે. સહદેવને ફરીથી પકડવો પોલીસ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. પરંતુ સહદેવ પાસેથી જ પોલીસ જાણી શકે છે કે, તે ક્યાં માસ્ટર માઇન્ડ માટે કામ કરે છે.
પોલીસે બેંકને કેમ પ્રશ્ન ન કર્યો કે તમારા પાસે અરજી આવી હોવા છતાં કેમ ખાતું બંધ ન કર્યું? સાકરીના રહેવાસી એવા ચિરાગે ચોથા મહિનામાં જ પોતાનું બેંકે એકાઉન્ટ બંધ કરવાની અરજી આપી હોવા છતાં બેંકે તેમનું બેંક એકાઉન્ટ બંધ કર્યું નહતું. પ્રશ્ન થાય છે કેમ? તે પછી ચિરાગે ઓનલાઈન પોતાનું બેંક એકાઉન્ટ બંધ કરાવ્યું હતું. પરંતુ ત્યાર સુધી તો તેના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન થઈ ચૂક્યું હતું.
જણાવી દઇએ કે, આ કેસમાં અન્ય એક આરોપી તરીકે પોલીસે દર્શાવેલા રોમીન નામના ડભાડના યુવકે થોડા દિવસો પહેલા જ પોતાનું ખોટી રીતે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાની અરજી મહેસાણા જિલ્લા મીડિયા ઓલ ન્યૂઝ પેપર અને ચેનલને આપી હોવાની માહિતી સામે આવી રહી છે. આ અરજી આપ્યા પછી જ વડનગર પોલીસે તેમણે નિવેદન આપવા માટે બોલાવ્યા હતા.
અહી પ્રશ્ન તે ઉભો થાય છે કે, જો આ ત્રણેય યુવકો પોતે ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ હોય તો કેમ પોતાના બેંક એકાઉન્ટ બંધ કરાવવાની કોશિશ કરી રહ્યા હતા? જણાવી દઇએ કે, આ ત્રણેય યુવકોમાંથી બે યુવકો સાત નાપાસ છે. તેમના માટે કાળો અક્ષર ભેસ બરાબર છે. તેથી તેઓ સોફ્ટ ટાર્ગેટ બની ગયા હતા. તેમાંય સોહિલ નામના યુવકને તો સ્માર્ટ ફોન પણ વાપરી રહ્યો નથી કે તે પોતાની આસપાસ ઘટની ઘટનાઓ સાથે અજાણ છે. તો એક યુવકને થોડો હોશિયાર હોવાથી તેને ખ્યાલ આવ્યો કે તેમના સાથે ખોટું થઈ રહ્યું છે તો તરત જ તેને પોતાનું બેંક એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું.
આ ત્રણેય યુવકોની એક ભૂલ થઈ કે તેઓ પોલીસ પાસે ગયા નહીં. આમ પણ પોલીસનો ડર એટલો બધો છે કે, સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જવાથી ખચકાય છે. તેથી સ્વભાવિક છે કે, આ ત્રણેય યુવકો પણ ડરના માર્યા પોલીસ પાસે જવાની જગ્યાએ બેંક અને મીડિયા સામે અરજીઓ આપતા રહ્યા હતા. પરંતુ તે વાત નોંધવી જરૂરી છે કે, આ ત્રણેય યુવકોએ જ્યારે પોલીસે નિવેદન આપવા માટે બોલાવ્યા તો સારી રીતે પોલીસને તપાસમાં સહકાર આપ્યો હતો. પોલીસ પાસે જે રીતના ડેટા હતા તે પ્રમાણે સત્ય જવાબ પણ લખાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ આ ત્રણેય યુવકો દ્વારા પોલીસને પણ તપાસમાં યોગ્ય સહકાર આપતા રહ્યા છે. તે છતાં પણ પોલીસે તેમણે ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ અપરાધીઓ સાથે અપરાધી બનાવી દેતા તર્ક-વિતર્ક સર્જાયો છે.
યશ બેંકના કર્મચારીની શંકાસ્પદ કામગીરી છતાં કેમ તપાસ નહીં? રોમીન દ્વારા મીડિયાને આપેલી અરજીમાં તેણે પોતાના ખાતામાં મસમોટી રકમ આવી હોવાનું જણાવ્યું છે. તે ઉપરાંત તેણે પોલીસ સ્ટેશનમાં પોતાના નિવેદનમાં પણ જણાવ્યું છે કે, આ તમામ ચક્રવ્યૂહમાં મીડિયાના એક મહિલા કર્મચારી પણ શંકાના દાયરામાં છે. તે છતાં પોલીસે પોતાની તપાસમાં બેંક કર્મચારી અને બેંકની અન્ય કામગીરીને બાકાત કેમ રાખી છે? તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે.
પોલીસ તે વાતને નજરઅંદાજ કરી શકે નહીં કે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય કર્તાહર્તાઓ દ્વારા ભોગ બનનારા ડભાડ અને સાકરીના ત્રણ યુવકો સિવાય પણ અન્ય યુવકોના નામે પણ બેંક એકાઉન્ટ ઓપન કરાવ્યા જ હશે. આ બાબતે પોલીસે યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક બીજા પણ ડમી એકાઉન્ટ વડનગર અને વિસનગરની યશ બેંકમાંથી સામે આવી શકે છે. તો ડભાડ અને સાકરીના ભોગ બનનારા યુવકોને ન્યાય અપાવીને ડબ્બા ટ્રેડિંગ કરનારા મુખ્ય ષડયંત્રકારીઓ સુધી પહોંચી શકાય છે.