‘મારી જીત અમેરિકાની જીત…’, 47માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પનું અમેરિકાનોને પહેલું સંબોધન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 277 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયાની જાહેરાત અમેરિકન મીડિયા દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે આ જીત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ નિવેદન જાહેર કરતાં તમામ અમેરિકન્સનો આભાર માન્યો હતો અને કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યાં બાદ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતાં કહ્યું કે આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકન્સનો વિજય છે.

આપણે બધાએ સાથે મળીને આ સાકાર કરી બતાવ્યું છે. આપણે ફરી એકવાર અમેરિકાને મહાન રાષ્ટ્ર બનાવીશું. આપણે સાથે મળીને દેશની દરેક સમસ્યા દૂર કરીશું. હું ઉપરાષ્ટ્રપતિને પણ શુભેચ્છા પાઠવું છું. આપણે દેશની બોર્ડરને મજબૂત કરીશું. આગામી ચાર વર્ષ અમેરિકા માટે ગોલ્ડન સાબિત થવાના છે.