પાલનપુર: SMC પીએસઆઈ જાહિદ પઠાણ એક બુટલેગરને પકડવાની જદ્દોજેહાદમાં પોતાનો જીવ ગુમાવીને ફરજ દરમિયાન શહિદી વ્હોરી છે. પીએસઆઈની મોતનો પડઘો ગૃહમંત્રાલય સુધી પડ્યો છે. આ વચ્ચે બનાસકાંઠાના ડિસા નજીક આવેલા આસેડા ગામના એક બુટલેગરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ખુલ્લેઆમ અંગ્રેજી દારૂનું વેચાણ કરતો જોવા મળી રહ્યો છે તો અન્ય એક વીડિયોમાં તો તે અક્ષયરાજ મકવાણાની વાતો કરતાં જોવા મળ્યો છે. જોકે, અક્ષયરાજ મકવાણા વિશેની વાત સ્પષ્ટ સંભળાઈ રહી નથી પરંતુ એક વાત તો પાક્કી છે કે તે પોલીસ બેડાને ખુશ રાખવા બાબતે કંઇ વાતચીત કરી રહ્યો હતો.
બનાસકાંઠાના ડિસા તાલુકાની હદ્દમાં આવેલા આસેડામાં ગામમાં પાર્લરની આડમાં અંગ્રેજી દારૂનું વેચાણ બચુ નામનો બુટલેગર કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાયરલ વીડિયોમાં બુટલેગર બચુ જાહેરમાં ઠંડા પીણાની બોટલો વેચતો હોય તેવી રીતે અંગ્રેજી દારૂનું વેચાણ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયાં પછી પણ પોલીસે બુટલેગર ઉપર કોઈ જ કાર્યવાહી કરી નહોવાનું જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી બાબત તો તે છે કે, આ વીડિયો વાયરલ થયાં પછી બુટલેગર બચુનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. એટલે સીધી વાત છે કે, પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નથી.
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના હદ્દ વિસ્તારમાં પાર્લરની આડમાં મોટા પાયે અંગ્રેજી દારૂનો વેચાણ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ કરનારા વ્યક્તિએ પોલીસ સ્ટેશનો સુધી વીડિયો મોકલ્યો હોવાં છતાં બચુ બુટલેગર ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે, પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવી નથી? આ પ્રશ્નનો જવાબ એકદમ સરળ છે. પોલીસ ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી લાવી શકે છે પરંતુ એકદમ હાઇવે ટચ રહેલા પાર્લર ઉપર ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો હોય અને પોલીસને ખ્યાલ નહોય તેવું બને ખરૂ? ડિસા રૂરલ પોલીસ સ્ટેશનની એટલે કે પીઆઈ વી.જી. પ્રજાપતિની રહેમનજર હેઠળ બચુ મોટા પાયે અંગ્રેજી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો છે તેવું કહીશું તો પણ કોઈ જ અતિશ્યોક્તિ ગણાશે નહીં.
બનાસકાંઠા: બુટલેગર તો SP અક્ષયરાજ સુધી પહોંચી ગયો!!! વાયરલ વીડિયોમાં બુટલેગર દારૂ વેચતો અને SPની વાતો કરતો દેખાયો…. pic.twitter.com/aKnR3IMyoX
— Gujarat times 24 (@tunvarM) November 8, 2024
એક તરફ રાજ્યમાં દારૂબંધીને અમલી બનાવવા પોલીસ કર્મચારીઓ પોતાનો જીવ આપી રહ્યાં છે તો બીજી તરફ ડિસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દારૂને ખુલ્લેઆમ વેચાણ કરાવવા માટે રહેમનજર રાખી રહ્યા છે. તેથી આગામી દિવસોમાં બેઇમાન પોલીસ કર્મચારીઓના કારણે ઇમાનદાર પોલીસ કર્મચારીઓને પણ શહિદી વ્હોરવી પડી શકે છે. જે રીતે એસએમસી પીએસઆઈએ બુટલેગરને પકડવા માટે પોતાના જીવની આહુતિ આપી તેવી જ રીતે ઇમાનદાર અધિકારીઓને પોતાના જીવ આપવા પડી શકે છે. પરંતુ બીજી તરફ આવક કરતાં વધારે સંપત્તિ બનાવવા માટે બચુ બુટલેગરોને છાવરવામાં પણ આવી રહ્યા છે. મળી રહેલી જાણકારી અનુસાર, પાછલા ઘણા વર્ષોથી બચુ અંગ્રેજી દારૂનું મોટા પાયે વેચાણ કરી રહ્યો છે પરંતુ પોલીસ તેના સામે કોઈ જ કાર્યવાહી કરી રહી નથી. કેમ? આસેડા સહિતના આસપાસના દરેક ગામના લોકો માટે પ્રેમ પાર્લર રાજસ્થાન બની બેસ્યું છે.
ગંભીર બાબત તો તે છે કે, વાયરલ વીડિયોમાં દારૂ વેચાવવાની સાથે-સાથે બુટલેગર એકદમ બિન્દાશ રીતે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાનું પણ નામ લઈ રહ્યો છે. તે છતાં ડિસા રૂરલ પોલીસે વીડિયોને નજર અંદાજ કરી દીધો છે. ડિસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જી પ્રજાપતિએ એક તો પોતાના હદ્દ વિસ્તારમાં દારૂ ખુલ્લેઆમ વેચાતું હોવા છતાં તેણે નજરઅંદાજ કરી દેવામાં આવ્યું પરંતુ તેની સાથે-સાથે તેમના એસપીનું નામ ખરાબ થતું હોવા છતાં બુટલેગર ઉપર કોઈ જ પગલા ભર્યા નહીં તે ખુબ જ ગંભીર બાબત છે.
આ બુટલેગર ઉપર કોઈ કાર્યવાહી કરી છે કે નહીં તે અંગે પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જી. પ્રજાપતિ સાથે વાત થતાં તેમણે કહ્યું કે, અમારા વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અનેક કેસ નોંધાતા હોય છે, તેથી મને નામજોગ ચોક્કસ ખ્યાલ નથી કે બચુના વિરૂદ્ધમાં કેસ નોંધાયો છે કે નહીં.. જોકે, પીઆઈ વી.જી. પ્રજાપતિએ તપાસ કરીને જણાવવાનું કહ્યું હતું.
ખેર; હવે તો પીઆઈ વી.જી પ્રજાપતિને પણ ખ્યાલ આવી ગયો છે કે તેમના હદ્દ વિસ્તારમાં પ્રેમ પાર્લરમાં બચુ નામનો વ્યક્તિ પાછલા ઘણા સમયથી અંગ્રેજી દારૂનો ધંધો કરી રહ્યો છે. તેથી હવે ડિસા રૂરલ પોલીસ બચુ સામે પગલા ભરે છે કે નહીં તે જોવાનું રહ્યું.