હાલ બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઇ રાજ્યભરમાં વિવિધ ચર્ચાઓ જાગી છે ત્યારે આ ઘટનાને લઇ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ પ્રથમ પ્રતિક્રિયા સામે આપી હતી. જેમાં તેઓએ સમગ્ર ઘટનાને લઇ વાત કરી હતી.
વધુમાં વધુ કલમો અને કડક સજા આપવામાં આવશે
આ બાબતે તેઓએ જણાવ્યું હતુ કે ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. જેમાં હાલ આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે તપાસની કામગીરી ચાલુ છે. વધુમાં ફરિયાદમાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરાંત આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે. હાલ આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે. કોઇ પણ છટકબારી ન રહે તેને લઇ બંને વિભાગો કામગીરી કરી રહ્યા છે.
બે દર્દીઓના મોત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીની એન્જિયોગ્રાફી કરી અને એમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે પૈકીના બે દર્દીનાં મોત નીપજતાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
ડૉ.પ્રશાંત વજીરાણી અને ડૉ.સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને CEO સહિતના લોકો સામે ગુનો નોંધાયો હતો. તપાસ કમિટીના રિપોર્ટના આધારે સોલા સિવિલના ઈન્ચાર્જ CDMO ડૉ.પ્રકાશ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હતું. એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાવવાનું કારણ દર્શાવ્યા વગર જ સર્જરી કરી હતી.