સિદ્ધપુરમાં કારતક પૂર્ણિમાના મેળાનો શુક્રવારથી પ્રારંભ થયો છે. જે કાત્યોકના મેળા તરીકે પણ ઓળખાય છે. સિદ્ધપુર કારતક પૂર્ણિમાનો મેળામાં ધાર્મિક રીતે તર્પણ વિધિનો મહિમા રહેલો છે. દિવાળી બાદ ભાઈબીજથી તર્પણ વિધિ માટે લોકો અહીં આવતા હોય છે. જેમાં રાજ્ય અને રાજ્ય બહારથી પણ શ્રદ્ધાળુઓ પોતાના મૃતક સ્વજનોની તર્પણ વિધિ કરવા માટે સરસ્વતિ નદીના તટે પધારે છે. આ દરમિયાન આસપાસના ગામડાઓમાંથી ઊંટ-ઘોડાથી લઈને મુરઘી સુધીના જાનવરોનું વ્યાપાર કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. તે ઉપરાંત અનેક વિવિધ ચીજવસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
લોકો દૂષિત પાણીમાં તર્પણ કરવા મજબૂર
આ વર્ષે રિવરફ્રન્ટની કામગીરી ચાલુ હોવાથી નદીમાં નીર છોડવામાં આવ્યા નથી. જેના કારણે તર્પણ વિધિ કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ સિવાય દર વખત કરતાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આ સાત દિવસીય મેળાની પાલિકા અને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવાઈ છે. પરંતુ, સરસ્વતિ નદીમાં પાણી નહીં હોવાથી શ્રદ્ધાળુઓ મની નદીની જમીનમાં ખાડો ખોદી દૂષિત પાણીમાં તર્પણ કરવા મજબૂર બન્યા હતાં.
વિવાદિત એજન્સીને જ ફરીથી ટેન્ડર અપાયું
સિદ્ધપુર નગરપાલિકાની નવીન બોડીના વહીવટમાં આ બીજો મેળો યોજાઈ રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગત વર્ષે કાર્તિકી મેળામાં હોનારત માટે જવાબદાર ગણાતા ઠેકેદાર શ્રીનાથ ટેન્ડર એન્ડ લાઇટને ફરીથી ટેન્ડર આપવામાં આવ્યું છે. નગરપાલિકાને મોટા પ્લોટની હરાજીમાં 6,51,611 રૂપિયા તેમજ નાના પ્લોટની હરાજીમાં 3.81 લાખ રૂપિયાની આવક થઈ છે.
સીસીટીવી કેમેરા-ડ્રોનથી મેળા પર નજર
સિદ્ધપુર પ્રાંત અધિકારી દ્વારા 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી મેળાને મંજૂરી આપી છે. આ સાત દિવસ લોકો રાતના 12 વાગ્યા સુધી મેળાની મજા માણી શકશે. સમગ્ર મેળા દરમિયાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટેટ સહિતના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરે છે. સમગ્ર મેળા પર 70 સીસીટીવી કેમેરા અને બે ડ્રોનથી બાજ નજર રાખવાની વ્યવસ્થા કરાઈ છે અને તેના માટે 22 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીએ કાર્તિકી મેળાનું લોકાર્પણ કરાયું હતું.
આરોગ્યની ટીમ તૈનાત
સિદ્ધપુર તાલુકા હેલ્થ વિભાગે આરોગ્યની તકેદારીના ભાગરૂપે બે ટીમ રાઉન્ડ ધ ક્લોક ગોઠવી છે. જેમાં પાંચ લોકોનો સ્ટાફ હાજર રહેશે. બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મેળામાં આવનાર લોકોને તાત્કાલિક ધોરણે સ્થળ પર જ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગને સજ્જ રાખવામાં આવ્યું છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સિદ્ધપુર બિંદુ સરોવર, અશોક સિનેમા અને કહોડા ગામ તેમજ લાલપુર ગામમાં વાહન પર પ્રતિબંધ લગાવાયો છે. આ સાથે મેળામાં છ પોલીસ ટેન્ટ તેમજ 4 ટાવર સહિત સમગ્ર મેળા માટે એક ડી.વાય.એસ.પી, પાંચ પી.આઈ, અઢાર પી.એસ.આઈ, 250 પોલીસ જવાન, 120 હોમગાર્ડ તેમજ 150 જીઆરડી ખડેપગે રખાયા છે.
વીજકંપનીઓ દ્વારા પાંચ ડીપી ઉભા કરાયા
સિદ્ધપુર યુજીવીસીએલ દ્વારા કાર્તિકી મેળા માટે 12 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી વીજ પુરવઠો અકબંધ રાખવા મેળાની જમીનમાં પાંચ ડીપી ઊભા કરવામાં આવ્યા છે. નગરપાલિકા પાસે 250 વોલ્ટ વીજળી માટે 11.50 લાખ ડિપોઝિટ પેટે ભરાવવામાં આવ્યા બાદ વ્યવસ્થા કરવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે 28 કર્મચારી હાજર રહેશે.