બંગાળમાં ફરી આડેધડ ગોળીબાર; TMCના કાર્યકર્તાનું મોત

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આજે મંગળવારે ધોળા દિવસે ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકર્તાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 2 જાન્યુઆરીએ તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર દુલાલ સરકારની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અગાઉની ઘટનાની જેમ પોલીસને શંકા છે કે આ ગોળીબાર પણ પાર્ટીની અંદરના આંતરિક સંઘર્ષનું પરિણામ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી.

ગોળીબારની ઘટનામાં TMCના કાર્યકર્તાનું મોત, બેને ગંભીર ઈજા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘મૃતકની ઓળખ અતાઉલ હક ઉર્ફે હસુ શેખ તરીકે થઈ છે. જ્યારે ટીએમસીના સ્થાનિક સમિતિના અધ્યક્ષ બકુલ શેખ અને ઈસરૂદ્દીન શેખ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જણાયું છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી. સમગ્ર ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરાય નથી.’

માલદા જિલ્લાના કાલિયાગંજ વિસ્તારમાં આજે મંગળવારે ટીએમસી સ્થાનિક સમિતિના અધ્યક્ષ પાર્ટી કાર્યકર્તાઓ સાથે રોડ ઉદ્ધાટનના સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક ગોળીબાર શરુ થયો અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી એકને માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડૉક્ટરે મૃત ઘોષિત કર્યો. જ્યારે અન્ય બેની સારવાર ચાલી રહી છે.

TMCના નેતાએ શું કહ્યું?

TMCના નેતા કુણાલ ઘોષે કહ્યું કે, ‘માલદામાં થયેલી ઘટના બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. જેમાં એકનું મોત નીપજ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હું આ મામલે કોઈ રાજકિય ટિપ્પણી કરવા માંગતો નથી. થોડા દિવસ પહેલા અમારા એક નેતાની પણ હત્યા કરાય હતી. મુખ્યમંત્રીએ આવી ઘટનાને લઈને શખ્ત વલણ દાખવું જોઈએ અને પોલીસને કડક નિર્દેશ જાહેર કરવા જોઈએ.’