મહેસાણા જિલ્લામાં શેર માર્કેટના નામે છેતરપિંડી કરવાના કેસોમાં ધરખમ વધારો થયો છે. મહેસાણા સહિત એસએમસીના અધિકારીઓએ મહેસાણાના તમામ તાલુકાઓમાં ધામા નાંખ્યા છે. જોકે, તે છતાં પણ ખુબ જ મોટા પાયે અને કોઈ જ ડર વગર ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ખુબ જ શાનદાર રીતે ચાલી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. નિર્લિપ્ત રાયની ટીમે સંકજો કસ્યો છે પરંતુ લોકલ પોલીસની આરોપીઓને છાવરવાની નીતિના કારણે ક્યાંકને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી રહ્યું છે.
આ ગુનાહિત પ્રવૃત્તિ પ્રતિદિવસ આગની જેમ રાજ્યભરમાં ફેલાઈ રહી છે. તેથી તો પોલીસ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી કોલિંગ કરીને લોકો સાથે છેતરપિંડી કરનારાઓને ઝડપી રહી છે. આ વચ્ચે મળી રહેલી એક ચોંકાવનારી માહિતી અનુસાર, ગોઠવાના ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઈન્ડ પાલનપુરના એક શખ્સ સાથે પાછલા ઘણા સમયથી સંપર્કમાં છે. તે પાલનપુરના શખ્સ પાસેથી ફેક બેન્ક એકાઉન્ટની સેવા લઈ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, પાલનપુરનો શખ્શ બેંકમાં નોકરી કરતો હતો. આ દરમિયાન તેણે અનેક બેંક એકાઉન્ટ ગોઠવાના ડબ્બા ટ્રેડિંગ કરનારાઓને આપ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આ તમામ બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન પણ થયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો- રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- ‘તાત્કાલિક તમામને મુક્ત કરો’
તો પાલનપુર નજીક આવેલા કાણોદરના એક વ્યક્તિના ખાતામાં પણ ગેરકાયદેસર લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન થઇ ચૂક્યું છે. ડબ્બા ટ્રેડિંગના નાણા ગ્રાહકો પાસેથી લાવવા માટે બેંક એકાઉન્ટ પૂરા પાડનારો વ્યક્તિ પાલનપુર નજીક આવેલા એક ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. તે વડગામ તાલુકામાં આવેલું છે.
આગામી રિપોર્ટમાં ગોઠવાના માસ્ટર માઈન્ડથી લઈને પાલનપુરના શખ્સ સુધીના ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવશે. આ દરમિયાન તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા તમામ બેંક એકાઉન્ટની માહિતી પણ પ્રકાશિત કરવામાં આવશે.
આ પણ વાંચો-અમેરિકા પર આફત! ન્યૂ ઓર્લિયન્સમાં હુમલામાં 14 મોત, FBIની નાગરિકોને ચેતવણી