ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી છે. નવરાત્રી દરમિયાન રાજ્ય સરકારે મોટા આયોજકોને ગરબા સ્થળ પર એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ રાખવાનું સૂચન કર્યું હતું. જે રીતે હાર્ટ એટેકની ઘટનાઓ ઘટી રહી છે અને ગઈકાલે પાટણમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ રાજ્ય સરકારના આરોગ્યપ્રધાનને ટકોર કરી હતી. આજે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ઉચ્ચ અધિકારીઓ અને યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટર સાથે આ મુદ્દે બેઠક યોજી હતી.
108 તંત્ર તરફથી મળતી માહિતી મુજબ નવરાત્રી પહેલાં ઇમરજન્સી સેવા 108 ને 24 કલાકમાં ચારથી પાંચ કેસ માટે કોલ આવતા હતા. તેની જગ્યાએ હવે 20 જેટલા કોલ માત્ર હાર્ટ એટેકના જ સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 થી પણ વધુ લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે.
108 ને સમગ્ર અમદાવાદ શહેરમાંથી 30 જેટલા હાર્ટની સમસ્યા રિલેટેડ ઇમરજન્સી કોલ પ્રાપ્ત થયા હતા. નવરાત્રીના 6 દિવસમાં રાજ્યમાં કુલ 675 જેટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ પ્રાપ્ત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં હાર્ટ રિલેટેડ કેસ નોંધાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા મોટા આયોજકોને ગરબા સ્થળે મેડિકલ ટીમ અને એક એમ્બ્યુલન્સ રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે નવરાત્રીમાં 22 ઓક્ટોબર સુધીની વાત કરવામાં આવે તો 108 ને અત્યાર સુધીમાં પાર્ટી પ્લોટમાંથી હાર્ટ એટેક રિલેટેડ કુલ 8 જેટલા કેસ પ્રાપ્ત થયા છે. જ્યારે સૌથી વધુ કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાર્ટ એટેકને લગતા કુલ 196 કેસ સામે આવ્યા છે. આમ 8 દિવસમાં એવરેજ 8 જેટલા કેસ 108 સેવામાં નોંધાયા છે.
આ પણ વાંચો-નવા વર્ષે હર્ષ સંઘવીએ ગુજરાતીઓને આપી ભેટ; જાણો શું છે ખાસ