PM મોદીની ડભોડામાં જંગી સભાને લઇને શું છે તૈયારીઓ? પોલીસ સતર્ક; સાત લોકોને ઉઠાવ્યા!!!

ખેરાલુ: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. તેમના વતનના પ્રવાસના કારણે મહેસાણા એસપી-ક્લેક્ટરથી માંડીને તમામ તાલુકાના સરકારી અધિકારીઓ ઉંચા-નીચા થઈ ગયા છે. અમદાવાદથી ડભોડાના રૂટ પર સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આટલા સમયથી થયેલી ગંદકીને બે દિવસમાં સાફ કરવાનો બિડો નગરપાલિકાઓએ ઉઠાવ્યો છે.

તો મહેસાણા એસપી પણ ડભોડાની મુલાકાત લેતા રહે છે. હાલમાં ખેરાલુ-ડભોડાના રૂટ સવારથી સાંજ સુધી પોલીસની ગાડીઓના સાઈરનથી ગૂંજી રહ્યો છે. તો બીજી તરફ પીએમ મોદીની સુરક્ષાને લઈને સતલાસણા પોલીસે ડભોડા ગામમાંથી સાત લોકોને ઉઠાવ્યાની કથિત માહિતી પણ સામે આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ના થાય તે માટે પોલીસ અસામાજિક તત્વોને ઉઠાવી રહી છે. જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા જ ડભોડામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગના દૂષણને લઈને એલસીબી પોલીસે તોડપાણી કર્યાના કથિત સમાચાર પણ વહેતા થયા હતા. તેવામાં આ સાત લોકોની અટકાયતને લઈને પણ તર્ક-વિતર્ક ઉભા થયા છે.

આગામી 30 ઓક્ટોબરે પીએમ મોદી ખેરાલુના ડભોડા ખાતે આવે તે પહેલા જ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવા માટે સરકારી અધિકારીઓમાં દોડ-ધામ મચી છે. એમપી ભરત ડાભી અને એમએલએ સરદાર ચૌધરી પણ ગ્રાઉન્ડ લેવલે તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે ઉતરી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડભોડામાં આયોજિત જંગી સભામાં ઓછામાં ઓછા એક લાખ લોકો એકઠા કરવામાં આવશે. લોકોને એકઠા કરવા સહિત અન્ય તૈયારીઓમાં માટે સરકારી એજન્સીઓ ધંધે લાગી ગઈ છે. જણાવી દઇએ કે, પીએમ મોદી ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત પણ કરવાના છે.

જણાવી દઇએ કે, હાલ ધરોઈને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી મહેસાણા જિલ્લાના વિવિધ વિકાસકાર્યોનું પણ ખાત મુહૂર્ત કરશે. 4778 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાત મુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંગે જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી.

પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટાયેલા સદસ્યો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેનની અધ્યાક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. તો ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી પણ વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં ઉભા પગે હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો- ખેડૂત મિત્રો તમે ગુલખેરા ઉર્ફે કુદરતી વાયગ્રાની ખેતી વિશે જાણો છો? ના જાણતા હોવ તો વાંચી લો લેખ