વેજલપુર: બરફ ફેક્ટરી પાછળ ધમધમી રહ્યો છે ઇંગ્લિશ દારૂનો વેપલો; રહેમ નજર કોની?

વેજલપુર પોલીસ સ્ટેશન- ગુજરાત ટાઈમ્સ24

અમદાવાદ: વેજલપુરમાં પ્રતિદિવસ લાખો રૂપિયાનો દારૂ વેચાઈ રહ્યો છે. શું આ વાત જીએસ મલિક જાણે છે? કદાચ નહીં જાણતા હોય.. પરંતુ આજે અમે જણાવીશું કે, વેજલપુરમાં વર્ષોથી દારૂનો વેપલો ધમધમે છે. આ દારૂના વેપલા પાછળ અમદાવાદના મસમોટા બૂટલેગરોમાંથી એક બૂટલેગર નશીમ ચલાવી રહી છે.

મળી રહેલી જાણકારી અનુસાર, નશીમ પોતાનો ધંધો ચલાવવા માટે વેજલપુર પોલીસ સ્ટેશનને ભરણ આપી રહી છે. આ ભરણની રકમ પ્રતિદિવસની 40 હજાર રૂપિયા સુધીની હોવાની વિશ્વસનિય સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. તો વેજલપુરનો તમામ દૂષણોનો વહિવટ સુરેન્દ્ર સિંહ અને વિક્રમસિંહ પાર પાડી રહ્યાં છે.

વેજલપુર બરફની ફેક્ટરીની પાછળ નશીમનો અડ્ડો ધમધમે છે. સાંજ પડે દારૂ માટે મેળો ભરાય છે. દારૂ લેવા માટે દારૂના રસિયાઓ પડાપડી કરતાં જોવા મળે છે. તે ઉપરાંત ચિલ્ડ બિયર લેવાના દર્શ્યો પણ સર્જાય છે. આમ પ્રતિદિવસ લાખો રૂપિયાનું દારૂ અમદાવાદના વેજલપુર સુધી લાવવામાં આવે છે અને ત્યાંથી બિન્દાસ રીતે વેચાણ પણ કરવામાં આવે છે. હવે અમદાવાદમાં દારૂ કેવી રીતે ઘૂસાડવામાં આવે છે તે એક અલગ પ્રશ્ન છે. તે ઉપરાંત પણ અન્ય ઘણા પ્રશ્ન ઉદ્દભવી રહ્યાં છે તે અંગે અન્ય કોઈ દિવસે વાત કરીશું.

આ પણ વાંચો-હેટ સ્પીચની 255 ઘટનાઓમાં 80% ભાષણો મુસ્લિમ વિરોધી હોવાનો રિપોર્ટ

દારૂના રસિયાઓ માટે વેજલપુર સ્વર્ગ સમાન તો રહેવાસીઓ માટે નર્ક સમાન

દારૂ પીનારાઓ માટે તો આ વિસ્તાર સ્વર્ગ સમાન છે. કેમ કે અહીં આવો એટલે દારૂ વગર ખાલી હાથે પાછું જવું પડે નહીં પરંતુ અહીં આસપાસ રહેતા લોકો આનાથી ત્રાહિમામ પોકારી ગયા છે. આ રેસિડેન્સિયલ વિસ્તાર હોવાના કારણે અહીં વસવાટ કરતાં લોકોને દારૂના મોટા વેપલાના કારણે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિસ્તારમાં રહેતા તમામ લોકો લાચાર છે, કેમ કે પોલીસ પોતે જ આનું ભરણ લઈને દારૂના વેપાર માટેની પરવાનગી આપેલી છે. તેવામાં તેઓ આને બંધ પણ કરાવી શકતા નથી. તો મહિલા બૂટલેગર ખુબ જ માથા ભારે હોવાના કારણે તેના સામે કોઈ ઉંચા અવાજથી બોલી શકે તેમ નથી. જણાવી દઇએ કે, નશીમ અત્યાર સુધીમાં અનેક વખત પાસા હેઠળ જેલમાં જઈ આવી છે.

વેજલપુરમાં ચાલતા દૂષણો અંગે કરીશું અન્ય પણ કેટલાક ખુલાસા

હવે વેજલપુર વિસ્તારમાં ચાલતા એકમાત્ર દારૂના વેપલા વિશે જાણકારી આપી છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં અન્ય બીજા દૂષણો વિશે અને તેમાં પોલીસની સંડોવણી અંગેની જાણકારી આપીશું. તે ઉપરાંત વહીવટદાર વિક્રમસિંહ અને સુરેન્દ્ર સિંહના અવનવા કારનામાઓ અંગે પણ ઘટસ્ફોટ કરીશું.

આ પણ વાંચો-પાકિસ્તાનમાં ઈદ-એ-મિલાદના જુલૂસમાં બ્લાસ્ટ; 30 લોકોના મોત