નવી દિલ્હી: એરફોર્સની 91મી વર્ષગાંઠ રવિવારે ઉજવવામાં આવી છે. જેમાં ભારતીય વાયુસેનાને નવો ધ્વજ મળ્યો છે. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વાયુસેનાના વડા ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ પરેડ દરમિયાન ધ્વજ બદલી નાખ્યો હતો અને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવ્યા હતા.
પીએમ મોદી, અમિત શાહ અને સીએમ યોગીએ અભિનંદન પાઠવ્યા
કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે 91માં વાયુસેના સ્થાપના દિવસ પર તમામ ભારતીય વાયુસેના કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. ભારતીય વાયુસેનાએ રવિવારે સવારે પ્રયાગરાજમાં બમરૌલી એરફોર્સ સ્ટેશન ખાતે ઔપચારિક પરેડ સાથે તેની 91મી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરી.
આ પ્રસંગે રાજનાથ સિંહે ટ્વીટ કર્યું હતું કે, ‘પોતાના ફૌલાદી ઈરાદા અને હિંમતથી ભરપૂર સાહસથી ભારતીય વાયુસેનાએ હંમેશા દેશના હિતોનું રક્ષણ કર્યું છે. આ શુભ અવસર પર, હું રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા માટે તેમના દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય સેવા અને બલિદાનને યાદ કરું છું.’
વાયુસેના દિવસ એ ભારતીય વાયુસેના (IAF) ના દેશના સશસ્ત્ર દળોમાં સત્તાવાર સમાવેશને ચિહ્નિત કરે છે, જેની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- AI ટેકનોલોજીથી તૈયાર થયેલા ઉપકરણે ધરતીકંપની આગાહી કરવામાં 70 ટકા સફળતા મેળવી
દર વર્ષે આ દિવસ ભારતીય વાયુસેના પ્રમુખ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ઉજવવામાં આવે છે. યુનાઇટેડ કિંગડમના રોયલ એર ફોર્સ માટે સહાયક દળ તરીકે 1932 માં હવાઈ દળની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી હતી અને પ્રથમ ઓપરેશનલ સ્ક્વોડ્રન 1933 માં ઉભું કરવામાં આવ્યું હતું.
એરફોર્સનો ધ્વજ 1951માં બનાવવામાં આવ્યો હતો
જૂના ધ્વજને હટાવ્યા બાદ તેને સેન્ટ્રલ એર કમાન્ડ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ પહેલા ભારતીય નૌકાદળના ધ્વજમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આઝાદી બાદ 1951માં એરફોર્સ ધ્વજ બનાવવામાં આવ્યો હતો. વર્તમાન ધ્વજ વાદળી છે. તેના ઉપરના ડાબા ખૂણામાં ત્રિરંગો છે, જ્યારે એરફોર્સનું ગોળ ચિહ્ન નીચે જમણા ખૂણે છે.
ધ્વજમાં આ મોટા ફેરફારો થયા છે
ગોળાકાર આકારને હટાવી દેવામાં આવ્યો છે જે અંગ્રેજોના સમયમાં પણ હતો. તેને હટાવીને ભારતને પ્રતિબિંબિત કરતો ધ્વજ બનાવવામાં આવ્યો છે. નવો ધ્વજ ભારતીય વાયુસેનાના મૂલ્યોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરશે. નવા ધ્વજમાં ટોચ પર રાષ્ટ્રીય પ્રતીક અશોક ચિન્હ છે અને તેની નીચે દેવનગરીમાં સત્યમેવ જયતે શબ્દો છે. સિંહની નીચે હિમાલયન ગરુડ છે જેની પાંખો ફેલાયેલી છે, જે ભારતીય વાયુસેનાના લડાયક ગુણોને દર્શાવે છે.
ભારતીય વાયુસેના શિલાલેખ સાથે હિમાલયન ગરુડની આસપાસ આછો વાદળી રિંગ છે. ભારતીય વાયુસેનાનું સૂત્ર ‘નભ: સ્પ્રિશમ દીપમ’ (ટચ ધ સ્કાય વિથ ગ્લોરી) હિમાલયન ગરુડની નીચે સોનેરી દેવનાગરી અક્ષરોમાં લખેલું છે.
આ પણ વાંચો-હમાસના હુમલામાં 480થી વધુ ઈઝરાયલી લોકોના મોત; PM નેતન્યાહુએ કહ્યું- આપીશું જડબાતોડ જવાબ