મહેસાણા: મહેસાણામાં નવરાત્રીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ મહેસાણા પોલીસે, કમિશ્નર અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ સુરક્ષાને લઈને આગવી તૈયારીઓ કરી લેવામાં આવી છે. નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો નવરાત્રી આયોજકો અને સામાન્ય લોકોને ગાઈડલાઈન આપવામાં આવી છે.
મહેસાણા પોલીસ તરફથી ગાઈડલાઈન આપવામાં આવી છે કે, નવરાત્રિ દરમિયાન 195 વાહનો સાથે મહેસાણા પોલીસ રાત્રી દરમિયાન સઘન પેટ્રોલિંગ કરશે. તો બીજી તરફ પોલીસ દ્વારા સામાન્ય જનતાને નાના-મોટા વિવાદને લઈને 100 નંબર પર કોલ કરીને મદદ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લા પોલીસે સુરક્ષા સહિત અન્ય મુશ્કેલીઓને નિવારવા માટે નવરાત્રી આયોજકો સાથે બેઠક કરીને આયોજન અને સુરક્ષા મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. બેઠકમાં પોલીસ તંત્ર દ્વારા આયોજકોને નવરાત્રી મહોત્સવ દરમિયાન નાના-મોટા વિવાદમાં ઘર્ષમમાં ઉતરવાની જગ્યાએ 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ લેવા, ટ્રાફિક નિયમન માટે આયોજન સ્થળે સ્વયંસેવકો રાખવા, 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર ન વગાડા અને નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ દ્વારા જિલ્લાના નવરાત્રી આયોજકોને સ્થાનિક પોલીસ મથક અને મેડિકલ ઈમરજન્સી માટેના ટેલિફોન સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં સુરક્ષા, શાંતિ અને સલામતી સાથે નવરાત્રીના તહેવારમાં માતાજીના નવલા નોરતાની ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લાભરમાં 70 પોલીસ વેન અને 125 મોટર સાયકલ-મોપેડ સહિત કુલ 195 વાહનોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે.
એક અંદાજ અનુસાર જિલ્લામાં પાંચ કોમર્શિયલનવરાત્રી અને 37 સ્થળો જાહેર ગરબા અને 400થી વધુ શેરી ગરબા યોજાશે. આ દરમિયાન મહિલાઓને કોઈ મુશ્કેલી કે સમસ્યા ન આવે તે માટે પોલીસની સી ટીમ દરેક ગરબા સ્થળો પર ચાંપતી નજર રાખશે. અસામાજિક તત્વો અને લંપટ રોમિયાઓને ઝડપી પાડવા સી-ટીમની મહિલા પોલીસ ટ્રેડિશનલ પહેરવેશ ધારણ રી ખેલૈયાના સ્વાંગમાં ગરબા સ્થળો અને જાહેર જગ્યાઓ પર ખાનગી વોચ રાખશે.
પોલીસે કડક સૂચના આપી છે કે, કોઈપણ વ્યક્તિએ નાની-મોટી સમસ્યાનું સમાધાન લાવવા માટે પણ 100 નંબર ઉપર ફોન કરવાનો રહેશે. કેમ કે ઘણી વખત જાતે ઘર્ષણ કરવાના કારણે નાના ઝગડા મોટા ઝગડાઓમાં પરિણમતા હોય છે. તે ઉપરાંત ટ્રાફિક માટે આયોજકોએ સ્વંયસેવકો રાખીને તેની સમસ્યાને દૂર કરવાની રહેશે, પરંતુ તેમ છતાં કોઈ જગ્યાએ ટ્રાફિક સર્જાશે તો પોલીસ તેના પર કાર્યવાહી કરશે.
આ પણ વાંચો-નર્મદામાં દારૂ- જુગારના ધંધા બંધ કરવાં કાર્યવાહી નહિ થાય તો જનતા રેડ કરીશું: ચૈતર વસાવાની ચીમકી