વિસનગર: મહેસાણાના તમામ જિલ્લાઓમાં ડબ્બા ટ્રેડિંગ પોતાની ચરમસિમા પર છે. અચલ ત્યાગી જેવા ઈમાનદાર અધિકારીના હોવા છતાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ વિસનગર, વડનગરના ગામડાઓમાં ઘર કરી ગયું છે. આ માટે સેધાજી નામના વ્યક્તિની સૌથી મોટી ભૂમિકા સામે આવી રહી છે.
ડબ્બા ટ્રેડિંગના કિંગ અને ગોલ્ડનમેન તરીકે ઓળખાતા સેધાજીએ વિસનગર અને વડનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગને ઘરે-ઘર સુધી ફેમસ કરી દીધું છે. બેરોજગાર, અશિક્ષિત છોકરાઓ સરળ રીતે પૈસા કમાવવાની લ્હાઇમાં ડબ્બા ટ્રેડિંગના ચૂંગલમાં ફસાઈ રહ્યાં છે. સેધાજી પગાર પર છોકરાઓ રાખે છે અને ખાનગી જગ્યાઓ પર કોલ સેન્ટર ચલાવીને જનતાને લૂટી રહ્યો છે.
આ વચ્ચે પોલીસ સાથે સેધાજી સીધા સંપર્કમાં હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, એક પોલીસ વહીવટદાર સેધાજીની ગાડી લઈને ફરતો જોવા મળતા વિસ્તારમાં એક નવી જ ચર્ચાએ જોર પકડ્યું છે. આ કિસ્સા પછી વિસનગર સહિતના આસપાસના વિસ્તારના લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.
આ પણ વાંચો-ભાજપે રણનીતિ બદલીઃ ચૂંટણી રાજ્યોમાં CM ફેસની જાહેરાત નહીં કરે, સામૂહિક નેતૃત્વ પર દાવ લગાવાશે
પોલીસ અને સેધાજી વચ્ચે ઇલુ-ઇલુ
અત્યાર સુધીમાં સેધાજી અને પોલીસ વચ્ચે ઇલુ-ઇલું હોવાની આશંકા જ હતી. જોકે, હવે તે પાકું થઈ ગયું છે કે ડબ્બા ટ્રેડિંગના કિંગ સેધાજી અને પોલીસ વચ્ચે કંઇક તો રંધાઇ રહ્યું છે. આ વિસ્તારના એક પોલીસ વહીવટદાર સેધાજીની સ્વીફ્ટ કાર એકાદ-બે દિવસ માટે નહીં પરંતુ એક અઠવાડિયા સુધી લઈને ફરતો દેખાયો હતો. આ ઘટનાથી પોલીસ અને સટ્ટાકિંગ વચ્ચેનો સીધો સંપર્ક હોવાની વાત સ્પષ્ટ થઈ ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, સેધાજી પાસે એક સ્વીફ્ટ કાર છે. તે ઉપરાંત પણ અન્ય ગાડીઓ છે પરંતુ તે તેના સગા-સંબંધીઓના નામ પર લેવામાં આવી હોવાની સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. સેધાજી પાસે જેટલી પણ ગાડીઓ છે, તે તમામ ગાડીઓમાં નંબર પ્લેટ વગરની છે.
સેધાજીની ગાડી લઈને ફરવાનો અર્થ શું થયો?
પોલીસ વહીવટદારને ડબ્બા કિંગ સેધાજીએ પોતાની ગાડી કેમ અઠવાડિયા સુધી વાપરવા માટે આપી તે એક મોટો પ્રશ્ન છે? આ પ્રશ્નનો જવાબ આમ તો સરળ છે. એવું બની શકે કે સેધાજી પોતાનું ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક પોલીસની રહેમ નજર હેઠળ ચલાવતો હોય અને તેના અવેજમાં વહીવટદાર તેનો ફાયદો અલગ-અલગ રીતે લેતો હોઈ શકે છે.
આ પણ વાંચો-પાટણ: ગ્રામજનોએ દલિત વ્યક્તિ પાસેથી રાશન ન લેતા કલેક્ટરે રેશનકાર્ડ કરી આપ્યા ટ્રાન્સફર
તેવામાં એક એવો પણ પ્રશ્ન ઉદ્દભવ્યો છે કે, શું પોલીસ ભરણ લઈને સેધાજીને પોતાનું ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચલાવવા દઈ રહી છે? જે રીતે વહીવટદાર સેધાજીની ગાડી વાપરવા માટે લઈ જઈ રહ્યાં છે, તે જોતા તે શક્ય બની શકે છે કે, કદાચ પોલીસ જ સેધાજીને ડબ્બા ટ્રેડિંગ કરવા માટે પરવાનગી આપતી હોઇ શકે છે. આને આપણે ચોક્કસ તો ના કહી શકીએ પરંતુ આ શક્યતાને પણ નકારી શકાય નહીં પરંતુ આ એક તપાસનો વિષય છે.
શું પોલીસ જ સેધાજીને છાવરી રહી છે?
જો પોલીસ જ સેધાજીની પીઠબળ છે તો તે એક ગંભીર બાબત છે. સામાન્ય વ્યક્તિનું જીવવું મુશ્કેલી બની જશે. પોલીસ જ ચોરને બચાવશે તો પછી સામાન્ય જનતાનું શું? ગુજરાતની બીજેપી સરકારે આવા મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે. જે ખુબ જ ગંભીર છે. કેમ કે ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ પ્રતિદિવસ સામાન્ય જનતાને લાખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યાં છે.
જે જનતા બીજેપીને ખોબલે-ખોબલે વોટ આપીને સત્તામાં લાવે છે, તેમના રક્ષણ સહિત તેમના પૈસાનું રક્ષણ કરવાની જવાબદારી પણ સત્તાની છે. તેવામાં હર્ષ સંઘવીએ પોતાની પોલીસને ઈમાનદારીથી કામ કરવા અને આરોપીઓને સાથ આપનારા અધિકારીઓને ઘર ભેગા કરવાની તજવીજ હાથ ધરી લેવી રહી. મહેસાણા પોલીસ કમિશ્નર અચલ ત્યાગીએ પણ આ અંગે એક અલાયદી તપાસ કરાવીને સત્યને ઉજાગર કરીને કડક પગલા ભરવા જોઈએ. જેથી લોકોનો વિશ્વાસ પોલીસ પર બનેલો રહી શકે.
આ પણ વાંચો-અમદાવાદ ગેલેક્સી સ્પાના સંચાલકની હેવાનિયત; યુવતિને ઘસેડી-ઘસેડીને માર્યો જીવલેણ માર